મોરબી: મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક કડક ચુકાદો આપતા આરોપીને તકસીરવાન ઠેરવી ૨ વર્ષની જેલની સજા અને દંડનો હુકમ કર્યો છે. આ કામના ફરિયાદી ભાસ્કરભાઇ પ્રેમતલાલ પંડ્યા અને આરોપી વાસુદેવભાઇ ગોવિંદભાઇ ધુમલીયા વચ્ચે સામાજિક સંબંધો હતા. આરોપીને નાણાકીય જરૂરિયાત ઊભી થતા ફરિયાદીએ અંગત ઉપયોગ માટે રૂ. ૮૦,૦૦૦/- (એંસી હજાર પુરા) હાથ ઉછીના સંબંધના દાવે આપેલ હતા. આ રકમ પરત કરવા માટે આરોપીએ આપેલો ચેક બેંકમાં રજૂ કરતા “અપૂરતું ભંડોળ” (Funds Insufficient) ના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ વકીલ મારફત નોટિસ આપવા છતાં રકમ પરત ન મળતા મોરબીની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ચાલવા પર આવતા ફરિયાદી પક્ષના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર ની દલીલો અને રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી, મોરબીના મહે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબએ આરોપી વાસુદેવભાઇ ધુમલીયાને ૨ (બે) વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
દંડ: આરોપીને રૂ. ૯૫,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડની રકમમાંથી ફરિયાદીને રૂ. ૮૦,૦૦૦/- વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે તેમજ ચેકની રકમ ઉપર ચેક પરત ફર્યા તારીખથી વાર્ષિક ૯% સાદુ વ્યાજ પણ આરોપીએ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. અને જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજા ભોગવવી પડશે.
ચુકાદા સમયે આરોપી ગેરહાજર હોવાથી નામ. અદાલતે આરોપી વિરુદ્ધ બિન-જામીનલાયક વોરંટ (Non-Bailable Warrant) કાઢી તેને સજા ભોગવવા માટે હાજર કરવા પોલીસને આદેશ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફે મોરબીના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.


