R R Gujarat

મોરબી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: રૂ. ૯.૯૦ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને ૨ વર્ષની કેદ અને રૂ. ૧૯.૮૦ લાખનો દંડ

મોરબી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: રૂ. ૯.૯૦ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને ૨ વર્ષની કેદ અને રૂ. ૧૯.૮૦ લાખનો દંડ

મોરબી: મોરબીની ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી ૨ વર્ષની જેલની સજા અને ચેકની રકમથી બમણી રકમનો દંડ ફટકારતો મહત્વનો હુકમ કર્યો છે.

આ કામના ફરિયાદી ઝીલરીયા લાખાભાઈ કાનજીભાઈ અને આરોપી રાજેશભાઈ વાઘજીભાઈ કારાવાડીયા વચ્ચે મિત્રતાના સંબંધો હતા. આરોપીએ પોતાના અંગત ઉપયોગ માટે ફરિયાદી પાસેથી રૂ. ૯,૯૦,૦૦૦/- (નવ લાખ નેવું હજાર પુરા) હાથ ઉછીના લીધેલ હતા. આ રકમ પરત કરવા માટે આરોપીએ આપેલો ચેક બેંકમાં રજૂ કરતા “ફંડસ ઇનસફીસીયન્ટ” (અપૂરતું ભંડોળ) ના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ વકીલ મારફત નોટિસ પાઠવી હોવા છતાં આરોપીએ રકમ પરત ન કરતા મોરબીની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ચાલવા પર આવતા ફરિયાદી પક્ષના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર ની દલીલો અને રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી, મોરબીના મહે. ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી રાજેશભાઈ વાઘજીભાઈ કારાવાડીયાને ૨ (બે) વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. અને આરોપીને ચેકની રકમથી ડબલ રકમ એટલે કે કુલ રૂ. ૧૯,૮૦,૦૦૦/- (ઓગણીસ લાખ એંસી હજાર પુરા) નો દંડ ફટકાર્યો છે. તેમજ દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની મૂળ રકમ રૂ. ૯,૯૦,૦૦૦/- વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.
વ્યાજ: ચેકની રકમ પર વાર્ષિક ૯% ના સાદા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને જો આરોપી દંડ અને વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ (નેવું) દિવસની સાદી કેદની સજા ભોગવવા નો હુકમ કરવામાં આવેલ છે.