R R Gujarat

માળીયામાં જૂની અદાવતમાં કુટુંબી ભાઈઓ ઉપર જીવલેણ હુમલો, કારથી ટક્કર મારી ફાયરિંગ કરતાં એક ગંભીર

માળીયામાં જૂની અદાવતમાં કુટુંબી ભાઈઓ ઉપર જીવલેણ હુમલો, કારથી ટક્કર મારી ફાયરિંગ કરતાં એક ગંભીર

મોટરસાયકલને પાછળથી ટક્કર મારી ધોકાથી હુમલો, ભાગતા યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ: ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.

માળીયા(મી)માં જૂની બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ બે કુટુંબી ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હોવા અંગે માળીયા(મી) પોલીસમાં ફરિયફ નોંધાઈ છે, જેમાં આરોપીઓએ સ્વીફ્ટ કારથી મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી બંને યુવકો પર ધોકાથી હુમલો કર્યો હતો. જે દરમિયાન એક યુવક ભાગતો હોય ત્યારે બે અલગ અલગ હથિયારમાંથી તેના ઉપર ફાયરિંગ કરવામાં આવતાં બંને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. હાલ પોલીસે હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

માળીયા તાલુકાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા ઇદ્રીશભાઈ જાકમભાઈ માલાણી ઉવ.૩૦એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમના કાકાનો દીકરો ઇમરાન અબ્બાસભાઈ માલાણી ગઈકાલે ૨ જુલાઈના રોજ મોબાઇલ રિપેર કરાવી મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએમ-૪૭૨૦ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે માળીયાથી આશરે બે કિલોમીટર દૂર પહોંચતા એક સફેદ સ્વિફ્ટ કારમાં આવેલા આરોપી દિનમામદ યુનુસ જેડા, ગુલામ યુનુસ જેડા, જાવેદ અમરૂદીન જેડા અને જાકીર આમદ જેડા બધા રહે.જખરીયા વાંઢ વિસ્તારમાં માળીયા(મી) વાળાએ આવી તેમના મોટરસાયકલને પાછળથી ટક્કર મારી બંનેને રોડ પર પાડી દીધા હતા.

જે બાદ ચારેય આરોપીઓ કાર નીચે ઉતર્યા હતા. જેમાં આરોપી જાવેદ અને જાકીરે ધોકાથી હુમલો કરી ઇદ્રીશભાઈના જમણા પગમાં તેમજ ઇમરાનને માર માર્યો હતો. આ દરમિયાન ઇમરાન જીવ બચાવવા ખેતર તરફ દોડતા આરોપી દિનમામદ અને ગુલામે બંધુક જેવા હથિયારથી તેના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઇમરાનના બંને પગમાં છરા વાગતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે હાથમાં પણ ધોકાના ઘા લાગ્યા હતા. જે બાદ બંને ઇજાગ્રસ્તોને પ્રથમ માળીયા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઇમરાનને ગંભીર ઇજાઓ હોય જેથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

ફરિયાદમાં જણાવાયું છે કે, આશરે બે મહિના પહેલાં લગ્નપ્રસંગ દરમિયાન થયેલી બોલાચાલીનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ બનાવ અંગે પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.