નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રમતગમત મંત્રીના હસ્તે ‘જયદીપસિંહજી સિનિયર એવોર્ડ’થી સન્માન
મોરબી: મોરબી જિલ્લાના હરીપર (કે) ગામના વતની અને રાઈફલ શૂટિંગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર દીપભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યકક્ષાનું પ્રતિષ્ઠિત ‘જયદીપસિંહજી બારૈયા સિનિયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં દીપ પટેલને રાઈફલ શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વર્ષ 2017-18ના ‘આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમને એવોર્ડનું પ્રમાણપત્ર તેમજ વિશેષ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા રાજ્યના રમતગમત મંત્રી ડો. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બંને મહાનુભાવોના હસ્તે દીપ પટેલને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રાઈફલ શૂટિંગ જેવી ચોકસાઈ અને એકાગ્રતા માગતી રમત ક્ષેત્રે દીપ પટેલે પોતાની પ્રતિભા અને સતત મહેનતના આધારે સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી મોરબી જિલ્લાનું નામ રમતગમત ક્ષેત્રે વધુ ગૌરવભેર ઉજાગર થયું છે.
‘જયદીપસિંહજી બારૈયા એવોર્ડ’થી ગૌરવ
જયદીપસિંહજી એવોર્ડ ખેલાડીઓની વર્ષોની મહેનત, અવિરત પ્રેક્ટિસ અને રમત પ્રત્યેના સમર્પણની કદરરૂપે આપવામાં આવતું પ્રતિષ્ઠિત સન્માન છે. દીપ પટેલને રાઈફલ શૂટિંગમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ સન્માન મળતા પરિવારજનો, મિત્રો અને રમતપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
દીપ પટેલને મળેલા આ રાજ્યકક્ષાના સન્માન બદલ વિવિધ ક્ષેત્રના આગેવાનો, સ્નેહીજનો અને રમતપ્રેમીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમની આ સિદ્ધિ મોરબીના અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.



