R R Gujarat

મોરબી જિલ્લામાં 11 જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, વિવિધ પ્રકારના કેસોનો સ્થળ પર જ થશે સમાધાન

મોરબી જિલ્લામાં 11 જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, વિવિધ પ્રકારના કેસોનો સ્થળ પર જ થશે સમાધાન

મોરબી: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. 11 જુલાઈ, 2026 (શનિવાર)ના રોજ જિલ્લા ન્યાયાલય મોરબી તેમજ તેના તાબા હેઠળની વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) અદાલતો ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

લોક અદાલતમાં મોટર વાહન અકસ્માત વળતર (MACP) કેસો, ફોજદારી સમાધાનને પાત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળના ચેક રિટર્નના કેસો, લગ્ન અને પરિવાર સંબંધિત કેસો, ભરણપોષણના કેસો, મહેસૂલી કેસો, એલ.એ.આર.ના કેસો, હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળના કેસો, મજૂર અદાલતના કેસો, ટ્રાફિક ઇ-ચલણ સંબંધિત પ્રિ-લિટિગેશન કેસો તેમજ ભાડા, બેંક, વીજળી અને પાણીના બિલ સંબંધિત (ચોરી સિવાયના) દિવાની વિવાદો સહિતના વિવિધ કેસો સમાધાન માટે રજૂ કરી શકાશે.

લોક અદાલત દ્વારા પક્ષકારોને લાંબા સમયથી ચાલતા વિવાદોનો ઝડપી, સરળ અને પરસ્પર સંમતિથી કાયમી ઉકેલ મેળવવાની તક મળશે. આથી વધુમાં વધુ પક્ષકારો લોક અદાલતનો લાભ લઈ પોતાના કેસોનું સમાધાન કરે તેવી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.

લોક અદાલત અંગે વધુ માહિતી માટે સંબંધિત અદાલત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી અથવા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.