R R Gujarat

ભાજપ હવે એક્શન મોડમાં, પક્ષ સામે બગાવત કરનાર સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને કરશે સસ્પેન્ડ

ભાજપ હવે એક્શન મોડમાં, પક્ષ સામે બગાવત કરનાર સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને કરશે સસ્પેન્ડ

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ (Loksabha Election) અને વિધાનસભાની પેટા ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ (BJP Gujarat)માંથી વિરોધના સુર ઉઠી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુથવાદની પરિસ્થિતિનું સર્જન થયું છે. અત્યારે ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાને પક્ષમાંથી હાંકી કાઢવા હાઈકમાન્ડ સમક્ષ પ્રદેશ નેતાગીરીએ રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ચાલો જાણીએ કે આ ત્રણ નેતા કોણ છે ?

લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિઓ કરનાર સૌરાષ્ટ્રના ત્રણ નેતા અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડીયા (Naran Kachhadiya), બે પૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) (Dharmendrasinh Jadeja) અને જવાહર ચાવડા (Javahar Chavda)ના નામનો સમાવેશ થાય છે. ભાજપમાં પ્રદેશ કક્ષાએ આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે. જેમાં કહેવામા આવ્યું છે કે આ ત્રણેય નેતાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે જેથી દાખલો બેસે. હાઇકમાન્ડે પ્રદેશ નેતાઓને ખાતરી આપી છે કે જો ભાજપ ગુજરાત (BJP Gujarat)ની તમામ 26 સીટો પર વિજયી થશે તો આ નેતાઓને કાઢી નાખવામાં આવશે.

અમરેલીના સાંસદ નારણ કાછડીયા સામે ફરિયાદ

અત્યારે અમરેલીમાં સૌથી વધુ જુથવાદની સ્થિતિ જોવા મળી રહી છે. અમરેલીમાં વર્તમાન સાંસદ નારણ કાછડીયા અને ભાજપના લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડ વોર ચાલી રહી છે. હવે આ સમગ્ર મામલે ભરત સુતરીયાએ હાઇકમાન્ડને ફરિયાદ કરી છે. અને કહ્યું છે કે નારણ કાછડિયાએ પોતાને હરાવવા માટે પ્રયત્નો કર્યા હોવાની ફરિયાદ કરી છે. નારણ કાછડિયાએ ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પ્રદેશ નેતાગીરી તેમના પર ભડકેલી છે.

જામનગરના પૂર્વ નેતા હકુભા જાડેજા સામે કરાઈ રજૂઆત

બીજી તરફ જામનગર ભાજપના જ પૂર્વ નેતા હકુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમ માડમે હકુભા જાડેજા સામે હાઇકમાન્ડમાં રજૂઆત કરી છે. તેમને કહ્યું છે કે, પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂધ્ધ કામ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જામનગરમાં તેમને કોંગ્રેસના ઉમેદવાર સાથે મળી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવ્યું છે. હાલ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ જોવા મળતા નથી.

માણાવદરમાં જવાહર ચાવડાની હાઇકમાન્ડ ફરિયાદ કરાઈ

માણાવદરમાં ભાજપના વિધાનસભાની પેટ ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી છે. જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી છે. તેઓ હમણાં થોડા સમયથી જાહેર કાર્યક્રમોથી પણ દૂર રહે છે.