મોરબીના ચૂંટાયેલા સાંસદસભ્યો તથા ધારાસભ્યો કેમ ચૂપ ?
મોરબી જિલ્લામાં જમીન મહેસુલને લગતા કામો અંગેનું ભાવ પત્રક, મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ચાલતું પોલમ પોલ તથા મોરબી જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારનો ખેલ આજકાલ દ્વારા ખુલ્લો પાડવામાં આવેલ. જેના પડઘા મોરબીમાં જ નહીં પરંતુ છેક ગાંધીનગર સુધી પડતા ગાંધીનગર થી રાતોરાત મહેસૂલી અધિકારીઓની ટીમ દ્વારા મોરબી ગ્રામ્ય કચેરીમાં દરોડો પાડવામાં આવેલ તથા સાહિત્ય કબજે કરવામાં આવેલ. જેના અનુસંધાને મોરબી જિલ્લામાંથી પાંચ નાયબ મામલતદાર તથા બે ક્લાર્કની રાતોરાત બદલી કરવામાં આવેલ. તો શું મોરબી જિલ્લામાં ચાલતા આ ભ્રષ્ટાચારના ખેલમાં મોટી માછલીઓ ઉપર કોઈ પગલાં લેવામાં આવશે? મોરબી જિલ્લાની કલેકટર કચેરી તથા અન્ય મહેસૂલી કચેરીઓમાં વર્ષોથી એક ને એક જગ્યાએ તથા વારંવાર ક્રીમ જગ્યા ઉપર જ બદલી થતાં કર્મચારીઓની બદલી કરવામાં આવશે ? મોરબી જિલ્લાના અધિકારીઓ પોતાના વાલા દવલા અને ભ્રષ્ટાચાર માંથી બહાર આવીને મોરબીના લોકોનું કલ્યાણ થાય એવા કાર્યો કરશે? કે પછી પાંચ સાત કર્મચારીઓની બદલી કરીને ઘીના ઠામમાં ઘી પડે તે રીતે બધું જ ભીનું સંકેલી લેવામાં આવશે ? ઉપરના તમામ પ્રશ્નોના જવાબ તો સમય જ આપશે પરંતુ આ બધી બાબતો ઉપરથી એક વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે મોરબી જિલ્લામાં અનહદ ભ્રષ્ટાચાર થાય છે તથા મોરબી જિલ્લામાં આવતા અધિકારીઓ નો મૂળ ઉદ્દેશ ભ્રષ્ટાચાર જ છે બીજું કંઈ જ નથી તેવું સ્પષ્ટ પણે જણાય આવે છે
વાત જાણે એમ છે કે મોરબી જીલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવા અને વચેટિયાઓને નાબૂદ કરવા માટે સરકારી અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ મુકવામાં આવે છે કે શનિવારે બપોરે 11 વાગ્યે કલેક્ટર દ્વારા એક મહત્વની મીટીંગ છે જેમાં તમામ અધિકારીઓને હાજર રહેવાનું કલેકટર દ્વારા ફરમાન કરવામાં આવે છે શનિવારની સરકારી રજા હોવા છતાં આવેલા હુકમની ગંભીરતાથી નોંધ લઈ સમયસર તમામ અધિકારીઓ કલેક્ટર સાહેબના ફરમાનને ધ્યાનમાં રાખીને મીટીંગમાં હાજર થઈ જાય છે અને મીટીંગમાં હાજર રહેલા તમામ અધિકારીઓને એક કડક ભાષામાં કલેક્ટર કિરણ ઝવેરી દ્વારા તમામ અધિકારીઓને કડક સૂચના પણ આપવામાં આવે છે જેમાં સરકારી કચેરીમાં ફરતા વચેટિયાઓ સામે લાલા આંખ કરવામાં આવી હતી અને જો આ વચેટિયા કોઈ અધિકારીઓ સાથે ફરતા દેખાયાની ફરિયાદ મળશે તો તે અધિકારી સામે કડક પગલા લેવાની સૂચના આપી દેવામાં આવી હતી અને તેમજ કલેકટર કચેરીની તમામ માહિતી બહાર ન જાઈ તેની પણ તકેદારી રાખવામાં આવે તેવી કડક સૂચના અધિકારીઓને આપવામાં આવી છે અને લોકોના પ્રશ્ને એક અધિકારીઓની ટિમ બનાવી ઝડપથી નિરાકરણ લાવવાની પણ ખાસ ટકોર કરવામાં આવી હતી તેવી વિશ્વસનીય સૂત્રો પાસે થી માહિતી પ્રાપ્ત થઈ છે.
મોરબી ગ્રામ્ય મામલતદાર રજા પર કેમ ઉતર્યા ?
મોરબીના ગ્રામ્ય મામલતદારે ભ્રષ્ટાચારની તમામ હદો પાર કરી હોય અને વિવિધ કામો માટે રીતસરનું ભાવપત્રક તૈયાર કરેલ હોવાના ગંભીર આક્ષેપો અગાઉ થયા હતા જેમાં નીખીલ મહેતા દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને નિયમો વિરુદ્ધ કરવામાં આવેલ ખોટા હુકમો તથા નિયમો વિરુદ્ધની કામગીરીની ફરિયાદ કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી જેના પગલે પ્રથમ તો મોરબી કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા હતા અને ત્યાર પછી ગાંધીનગરથી રાતોરાત મહેસૂલી અધિકારીઓની ટીમ દ્વારા મોરબી ગ્રામ્ય કચેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા તથા સાહિત્ય કબજે પણ કરવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રો પાસે થી પ્રાપ્ત થઈ હતી જેના પગલે ગામ્ય મામલતદાર નિખિલ મહેતા રજા પર ઉત્તરી ગયા હોવાની વિશ્વશનીય સૂત્રો પાસે થી માહિતી પ્રાપ્ત થઈ છે .
મોરબીમાં ચાલતા ભ્રષ્ટાચારના સામે સાંસદ અને ધારાસભ્ય કેમ ચૂપ ?
મોરબીમાં રેવન્યુ અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આટ આટલા આક્ષેપો, તાર્કિક પુરાવાઓ સાથેની અરજીઓ તથા કાયદેસરનું ભાવ પત્રક વાયરલ થયા બાદ પણ મોરબી જિલ્લાના ચૂંટાયેલા સાંસદ સભ્યો, ધારાસભ્યો કે પદાધિકારીઓએ આ વિશે એક શબ્દ પણ ઉચાર્યું નથી તે પણ એક વિચારવા જેવી બાબત છે. મોરબી જિલ્લાની અફસર શાહી જિલ્લાના ચૂંટાયેલા સાંસદ કે ધારાસભ્યો કરતા પણ વધુ શક્તિશાળી છે તથા જિલ્લાના મોટા અધિકારીઓ સામે ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યો વામણા પુરવાર થાય છે તે આના ઉપરથી સાબિત થાય છે.