R R Gujarat

મોરબી જીલ્લા પોલીસની સરાહનીય કામગીરી

મોરબી જીલ્લા પોલીસની સરાહનીય કામગીરી

મોરબી: જામનગરથી ઘરેથી નિકળી ગયેલા રાધાબેન ભટકતી હાલતમાં મળી આવ્યા બાદ, મોરબી મહિલા પોલીસ મથકની ટીમે તેમને સુરક્ષિત રાખી, પૂછપરછથી ઓળખ મેળવી અંતે તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

મોરબી મહિલા પોલીસ મથકના પીઆઇ પદ્માબેન લખધીરકા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તાર રીલીફ-૨ માં એક મહિલા ભુખ્યાં-તરસ્યાં અને ગભરાયેલા હાલતમાં મળી આવ્યા હતા. આ મહિલાએ પોતાનું નામ રાધાબેન હોવાનું જણાવી અને પોતે જામનગરના હોવાનું તથા બે સંતાનો તેમજ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર પતિ હોવાની માહિતી આપી હતી. માનસિક સ્વાસ્થ્ય નબળું હોવાથી તેઓ તા.૨૧/૧૧ના રોજ જામનગર સ્થિત પોતાના ઘરેથી નીકળી ગયા અને મોરબી આવી પહોંચ્યા હતા.

મહિલા પોલીસ કર્મચારીઓએ તેમને તાત્કાલિક ખોરાક આપી સંભાળ લીધી અને સુરક્ષિત રીતે સપોર્ટ સેન્ટર ખાતે રાખવાની વ્યવસ્થા કરી હતી. બીજા દિવસે મહિલાને ફરી પોતાના હાથે જમાડી તેમની સાથે વિસ્તૃત વાતચીત કરી સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ ડીવાયએસપી દલવાડી સાથે ચર્ચા કરી પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ઇન્વેસ્ટિગેશન બાદ જાણવા મળ્યું કે રાધાબેનના બેન હેમાબેન તથા બનેવી મહેન્દ્ર ઉપલેટા તેલ મિલ સામે શાકુંતલનગર વિસ્તારમાં રહે છે. પોલીસ ટીમે એસપી મુકેશકુમાર પટેલની મંજૂરી બાદ રાધાબેનને તેમના પરિવારને સોપી, સુરક્ષિત પુનઃમિલન કરાવ્યું હતું.

આ સફળ અને સરાહનીય કામગીરીમાં મોરબી જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી દલવાડી તથા મહિલા પોલીસ મથક પીઆઇ પદ્માબેન લખધીરકા સહિતની ટીમ જોડાયેલ હતી.