કન્ટેનર પલટી મારી રોંગ સાઈડમાં આવ્યું, ટ્રક તારવવા જતા અરટીગામાં અથડાયું
ટ્રક અને અરટીગા કાર સળગી ઉઠતા ચારના મોત, કારમાં છ વિદ્યાર્થીઓ સહીત સાત હતા સવાર
કચ્છ મોરબી નેશનલ હાઈવે પર સુરજબારી પુલ પાસે કન્ટેનર, ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ટ્રીપલ અકસ્માત બાદ ટ્રક અને અરટીગા કારમાં આગ લાગી હતી કારમાં સાત વિદ્યાર્થીઓ સવાર હતા જેમાં બે બાળકોના મોત થયા હતા તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સહીત કુલ ચાર વ્યક્તિના મોત થયા છે તેમજ ચાર બાળકો સહીત સાતને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે
ગત મોડી રાત્રીના મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર માળિયા સુરજબારી પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક કન્ટેનર જીજે ૧૨ બીએક્સ ૮૪૮૨ કચ્છથી મોરબી તરફ આવતો હતો અને ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર ટપીને રોંગ સાઈડમાં આવી પલટી ખાઈ ગયો હતો જેથી મોરબીથી કચ્છ તરફ જતો ટ્રકના ચાલક તેને તારવવા જતા અરટીગા કાર સાથે અથડાયો હતો અને ટ્રકની ડીઝલની ટાંકી ફાટતા આગ ફાટી નીકળી હતી જે આગની ઝપેટમાં ટ્રક અને અરટીગા કાર આવી ગયા હતા અરટીગા કારમાં સાત વિદ્યાર્થીઓ અને ડ્રાઈવર સહીત સાત વ્યક્તિ સવાર હતા જે પૈકી ગુજરીયા રુદ્ર ગોપાલભાઈ (ઉ.વ.૧૫) અને બાબરિયા જયમીન જગદીશભાઈ (ઉ.વ.૧૭) રહે બંને ગાંધીધામ તેમજ ટ્રક ક્લીનર શિવરામ મંગલારામ નાઈ (ઉ.વ.૩૭) અને ટ્રક ડ્રાઈવર કિશન રામલાલ નાયક (ઉ.વ.૨૧) રહે. બંને રાજસ્થાન એમ ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા બંને વાહનમાં આગ લાગતા બાળકો અને ટ્રક ચાલક-ક્લીનર જીવતા ભૂંજાઈ ગયા હતા
તેમજ અરટીગા કારમાં સવાર કૃષ્ણ ગોપાલભાઈ ઝરૂ (ઉ.વ.૧૭), શિવમ નારણભાઈ બાપોદ્રા (ઉ.વ.૧૩) મિત રમેશભાઈ બાબરિયા (ઉ.વ.૧૩) અને વિષ્ણુ દેવરાજભાઈ ડાંગર (ઉ.વ.૧૫) રહે ચારેય ગાંધીધામ અને અરટીગા કાર ચાલક શાંતિલાલ વેલજીભાઈ આહીર (ઉ.વ.૪૦) રહે બગડા કચ્છ તેમજ ટ્રક જીજે ૧૨ બીએક્સ ૮૪૮૨ નો ડ્રાઈવર ગૌતમ બીરબલરામ (ઉ.વ.૨૩) અને ટ્રક ક્લીનર એમ સાતને સારવાર માટે સામખીયાળી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
અરટીગા કારમાં સવાર છ બાળકો આહીર બોડીંગમાં અભ્યાસ કરતા હતા
ટ્રક અને કારમાં આગ લાગતા ચાર વ્યક્તિના કરુણ મોતનો બનાવ બન્યો છે જેમાં અરટીગા કારમાં છ બાળકો સવાર હતા જે જુનાગઢ આહીર બોડીંગ અભ્યાસ કરતા હતા અને સાતમ આઠમ તહેવાર હોવાથી પોતાના વતન કચ્છ ગાંધીધામ જતા હતા જે સાતમાંથી ૨ બાળકોના મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે તેમજ અન્ય બાળકો અને કાર ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા છે
માળિયા કચ્છ હાઈવે પર ગમખ્વાર અકસ્માત બાદ લાંબી વાહનોની કતારો લાગી
માળિયા સુરજબારી પુલ પાસે ત્રણ વાહનોમાં અકસ્માત બાદ આગ લાગી હતી જે ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહીત ચારના મોત થયા હતા અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને કલાકો સુધી ટ્રાફિકજામમાં લાંબી વાહનોની કેટલાય કિલોમીટર સુધીની કતારો જોવા મળી હતી માળિયા કચ્છ નેશનલ હાઈવે પર અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો હાઈવે પર અંદાજે ૫ કિલોમીટર કરતા લાંબી વાહનોની કતારો લાગી હતી અકસ્માત બાદ રોડ પરથી વાહનો ખસેડવા સહિતની કામગીરી તંત્રએ હાથ ધરી હતી તેમજ ટ્રાફિક પોલીસ ટીમ ટ્રાફિક ક્લીયર કરાવવાના કામે લાગી હતી સૌરાષ્ટ્ર કચ્છને જોડતો એકમાત્ર માર્ગ હોય સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને અકસ્માત જેવા સંજોગોમાં ટ્રાફિકજામની કાયમી સમસ્યા સર્જાતી હોય છે