R R Gujarat

મોરબી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગના વેપારીઓ અનેક પ્રશ્નોથી પરેશાન, જાણો શું છે તેમની માંગ ?

મોરબી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગના વેપારીઓ અનેક પ્રશ્નોથી પરેશાન, જાણો શું છે તેમની માંગ ?


મોરબી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગના વેપારીઓ વાહન પાર્કિંગ, ગંદકી અને તૂટેલા રસ્તા સહિતના પ્રશ્ને હેરાન પરેશાન છે અને કાયમી વેપારીઓને સતાવતા પ્રશ્નોનો સચોટ ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે
મોરબી માર્કેટિંગયાર્ડના શાકભાજી વિભાગમાં પવિત્ર શ્રાવણ માસમાં, અડચણરૂપ વાહન પાર્કિંગ, ગંદકી અને તૂટેલા રસ્તા સાથે શાકભાજી વિભાગ બહાર અને મુખ્ય ગેટ બહાર સીધા વાહનમાંથી અને પેટાભાડે ચડાવેલ દુકાનોથી થતા ગેરકાયદેસર વેપાર જેવા પ્રશ્નોના કાયમી ઉકેલની માંગ વેપારીઓ કરી રહય છે મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ફ્રૂટ, બટેકા અને શાકભાજીની ખરીદીમાં હાલ ગ્રાહકોનો ધસારો જોવા મળે છે.
બહારગામથી અને મોરબીના અન્ય વિસ્તારોમાંથી ખરીદી કરવા આવેલ ગ્રાહકોને ટૂંકા સમયમાં ખરીદી કરી, વહેલાસર પોતાના સ્થાને પહોંચી માલ વેચવાનો હોય છે. જેમાં શાકભાજી વિભાગ અંદર અને રસ્તામાં બહાર આડેધડ પાર્ક કરેલા ખાલી વાહનો અને વચ્ચે ઉભી રાખેલ રિક્ષાઓ ખૂબ જ અડચણરૂપ બને છે.
ખેડૂતોને સારો ભાવ મળે અને ગ્રાહકોને બજારભાવે સારો માલ મળી રહે તે ઉદ્દેશ્યને પૂરો કરવા રચાયેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલ શાકભાજી વિભાગ પ્રત્યે ઘોર દુર્લક્ષ સેવી રહી હોઈ તેવું નજરે મળે છે. શાકભાજી અને ફ્રૂટ જેવા ખાદ્ય વસ્તુઓના વેપારની જગ્યા એટલે શાકભાજી વિભાગમાં ગંદકી, ગંદાપાણી ભરેલા તૂટેલા રસ્તાઓ અને માલ ઉતારવાના પ્લેટફોર્મનો અભાવ, દરરોજ વેપારના સમય પછી દુકાનેથી કચરો એકઠો કરવાની વ્યવસ્થા ઠપ થયેલ છે અને શાકભાજી વિભાગમાં અંદર ગેરકાયદેસર બની ગયેલ રિક્ષા સ્ટેન્ડ અને જાતે વાહન લઈ ખરીદી કરવા આવનાર ગ્રાહકો સાથે દરરોજ યાર્ડમાં આવતા રિક્ષા ચાલકોના વારંવારના ઝઘડા દ્વારા વેપારને અવરોધવા અપાતા ત્રાસને નિવારવા યાર્ડનું તંત્ર સદંતર નિષ્ફળ જણાય આવે છે.
શાકભાજી વિભાગના ઉપરોક્ત સમસ્યાઓ સાથે, યાર્ડના મેઇન ગેટ પાસે બહાર સીધા વાહનો રાખી સીધું વેચાણ કરવા દેવાતા, ધીમે ધીમે અંદરની દુકાનોમાં વેપારમાં ઘટાડો થવાની ભીતી સેવાઈ રહી હોઈ, મૂળ દુકાન ધારકોના હિતને નુકશાનકર્તા પેટા ભાડે ચાલતી દુકાનો પર કાયદેસર કાર્યવાહી કરવી હવે જરૂરી બનેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને જાણવા છતાં કોઈ નક્કર, કાયમી કામગીરી ન કરતા યાર્ડના સત્તાધીશો અને કર્મચારીઓને શ્રાવણ માસ નિમિતે મહાકાલ એવા મહાદેવજી અને ઉપરી સત્તાનો ડર રાખી કાયમી ધોરણે યોગ્ય ફરજ નિભાવવા તાકીદ મોરબી શાકભાજી વિભાગ વેપારીઓ દ્વારા મીડિયાના જાહેર માધ્યમ થકી કરાઈ છે.