R R Gujarat

કલેક્ટર કચેરી ગપસપ -3 મોરબી રેવન્યું તંત્ર દ્વારા 15મી ઓગસ્ટમાં તેઓની પરંપરા શા માટે તોડવામાં આવી ?

કલેક્ટર કચેરી ગપસપ -3 મોરબી રેવન્યું તંત્ર દ્વારા 15મી ઓગસ્ટમાં તેઓની પરંપરા શા માટે તોડવામાં આવી ?

15મી ઓગસ્ટના કાર્યક્રમમાં ગેર હાજર રહેલ ૫ જેટલા અધિકારીઓને નોટિસ ફટકારી તે સારી બાબત : ભ્રષ્ટાચારની નામ જોગ અરજી થયેલ અધિકારીઓના નામ જાહેર કરો અને નોટિસ આપો

મોરબીના જિલ્લા કક્ષાના ૧૫ મી ઓગષ્ટના કાર્યક્રમમાં ગેર હાજર રહેલ ૫ જેટલા અધિકારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા કારણદર્શક નોટીસ આપી ખુલાસો પુછવામાં આવેલ. ૧૫ મી ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વમાં દરેક અધિકારી અને દરેક નાગરીકે ભાગ લેવો જ જોઇએ તે દરેક અધિકારી અને ભારત દેશના પ્રત્યેક વ્યક્તિની ફરજ છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે હાલમાં મોરબીના રેવન્યુ તંત્રમાં ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારની નામ જોગ અરજીઓ જિલ્લા કલેક્ટરને અને એંટી કરપ્શન બ્યુરોમાં પણ થયેલ છે. જેવી રીતે મોરબી જિલ્લા કલેકટર સાહેબે 15 મી ઓગષ્ટમાં ગેરહાજર રહેલ પાંચ અધિકારીઓને કારણદર્શક નોટિસ આપી તેવા ન્યુઝ લગભગ મોરબીના દરેક ન્યુઝ પેપરમાં આવ્યા તેવી જ રીતે રેવન્યુ તંત્રમાં પણ જે કર્મચારીઓ ઉપર ભ્રષ્ટાચારની નામ જોગ અરજી થયેલ છે તેવા તમામ લોકોને નોટિસો આપીને તેના પણ ન્યુઝ મોરબીના તમામ ન્યુઝ પેપરમાં શા માટે આવતા નથી ? શા માટે રેવન્યુ તંત્ર ભ્રષ્ટાચારી લોકો પર પગલા ભરતા અચકાય છે? હવે બીજો મોટો પ્રશ્ન એ છે કે 15 મી ઓગષ્ટ ના સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જિલ્લા વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવે છે અને દર વખતે આવા કાર્યક્રમોમાં રેવન્યુ તંત્રના મામલતદાર, નાયબ મામલતદાર, ક્લાર્ક, રેવન્યુ તલાટી અને વર્ગ ૪ ના પણ ઘણા લોકોનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવે છે પરંતુ આ વખતે ફક્ત મામલતદાર ટંકારાનું જ સન્માન કરીને તંત્રએ શા માટે સંતોષ માની લીધો ? જ્યારે બીજી બાજુ પોલીસ ડિપાર્ટમેન્ટ માંથી ઘણા લોકો, આરોગ્ય વિભાગમાંથી પણ ઘણા અને અન્ય વિભાગોના પણ ઘણા લોકોનું સન્માન કરવામાં આવેલ. તો આ વખતે મહેસુલ વિભાગદ્વારા તેઓની જૂની પરંપરા ને કેમ તોડવામાં આવી ? શુ રેવન્યુ તંત્રમાં અત્યારે ઇમાનદાર લોકો જ બહુ ઓછા છે ? આ તો એવું થયું કે ઘરના છોકરા ઘંટી ચાટે. હવે ત્રીજો અને સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે દર વખતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જે તાલુકામાં હોય તે તાલુકા સિવાયના તમામ તાલુકાઓમાં પણ 15 મી ઓગષ્ટના કાર્યક્રમનુ આયોજન થાય છે.પરંતુ આ વખતે મોરબી ગ્રામ્ય તાલુકામાં શા માટે 15 મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી નહીં ? તે પણ એક મોટો સવાલ છે.

ખેર આ બધા પ્રશ્નોના જવાબ મળે કે ન મળે પરંતુ આના ઉપરથી એક વાત સ્પષ્ટ રીતે નક્કી થાય છે કે મોરબીનુ મહેસૂલી તંત્ર અત્યારે ડામાડોળની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.