કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમની ટિકિટ રદ્દ ના થતા રાજપૂતો કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી રહ્યા છે ત્યારે કચ્છ (Kutch)માં પણ ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)માં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ ગયા હતા. અને ભુજની ખાનગી હોટેલ સેવન સ્કાયમાં ભાજપના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અંદાજિત એક કલાક માટે બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી જેમાં ભાજપના નેતા રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
પદ્યુમનસિંહ જાડેજાને હવે રૂપાલાનું નિવેદન અયોગ્ય લાગ્યું
બીજી તરફ આ બેઠકમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઇ હતી. તો ક્ષત્રિય સમાજના આગેવાન અને અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પરસોતમ રૂપાલાનું નિવેદન અયોગ્ય છે અને રૂપાલાના નિવેદન મુદે જ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે અને ક્ષત્રિયોને મનાવવા માટેની આ બેઠક હતી. તેમજ ડેમેજ કંટ્રોલ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.ભાજપના આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠકો કરીને સમાધાન કરવા પ્રયત્નો કરવામાં આવશે. તો ગઈકાલે મુન્દ્રા ખાતે ક્ષત્રિય સમાજના સમેલનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણને રાખડી બાંધીને સમર્થન જાહેર કર્યું હતું.