વિરાજ શાહ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યના કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ જી.એસ.પટેલ અને માધવ જામદારની ડિવિઝન બેન્ચે ઠરાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ઓફિસ મેમોરેન્ડમ (ઓએમ) હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કો પાસે ભારતીય નાગરિકો કે વિદેશીઓ સામે લુક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવાની સત્તા નથી.
બેન્ચે જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા લોન ડિફોલ્ટ/લોનના મુદ્દે આ આદેશ આપ્યો હતો. કોર્ટે ડિફોલ્ટરોને વિદેશ પ્રવાસ કરતા અટકાવવા માટે જારી કરાયેલા લુક આઉટ સર્ક્યુલરને પડકારતી અનેક અરજીઓ પર સુનાવણી કરી છે.
હાઈકોર્ટે તમામ લુકઆઉટ સર્ક્યુલર રદ કર્યાં
હાઇકોર્ટે જાહેર ક્ષેત્રની બેન્કોની વિનંતી પર બહાર પાડવામાં આવેલા તમામ લુક આઉટ સર્ક્યુલરને રદ કર્યા હતા. જોકે ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે બે જજોની ખંડપીઠે આપેલા આદેશની અસર કોઈ પણ ટ્રિબ્યુનલ કે ક્રિમિનલ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા હાલના કોઈ આદેશને નહીં પડે, જેમાં આવી વ્યક્તિઓને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય.
શું છે લુકઆઉટ સર્ક્યુલર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના બ્યૂરો ઓફ ઈમિગ્રેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આ પ્રકારના લુક આઉટ સર્ક્યુલરમાં ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા કોઇ પણ એરપોર્ટ કે દરિયાઇ બંદર પર કોઇ પણ વ્યક્તિ કે જેની સામે આવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેને ભારત છોડતો અટકાવવાની સત્તા આપે છે. પહેલો લુક આઉટ સર્ક્યુલર 27 ઓક્ટોબર, 2010ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમાં સમયાંતરે સુધારા-વધારા કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર, 2018માં પણ આવો જ સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં “ભારતના આર્થિક હિતમાં” એલઓસી જારી કરવા માટે એક નવો આધાર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત એવી જોગવાઈ છે કે, કોઈ પણ વ્યક્તિને વિદેશ પ્રવાસ કરતા અટકાવવામાં આવે, જેના દેશ છોડવાથી દેશના આર્થિક હિતો પર વિપરીત અસર પડી શકે છે.