ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણીમાં 19 મહિલાઓ સાથે કુલ 266 તેમજ વિધાનસભાની પાંચ બેઠકોમાં 24 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ બેઠક પર સૌથી વધુ ઉમેદવાર
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા પ્રમાણે લોકસભાની 26 બેઠકો માટે 433 અને વિધાનસભા માટે 37 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ ઉમેદવારી ફોર્મની ચકાસણી પછી લોકસભામાં 328 અને વિધાનસભામાં 27 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. ચૂંટણી પંચે 105 ઉમેદવારી પત્રો રિજેક્ટ કર્યા હતા.
62 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા પછી ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવી હતી, જે પૈકી લોકસભાની અમદાવાદ બેઠક ઉપર સૌથી વધુ 18 ઉમેદવારો સ્પર્ધામાં છે જ્યારે સૌથી ઓછા ત્રણ ઉમેદવારો બારડોલી બેઠક પર રહ્યાં છે. એવી જ રીતે વિજાપુર વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ આઠ ઉમેદવારો અને સૌથી ઓછા બે ઉમેદવારો વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.
ગુજરાતમાં 2004 બાદ સૌથી ઓછા ઉમેદવારો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે કુલ 326 ઉમેદવારો છે. જેની સરખામણીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 371 ઉમેદવાર હતા. આ ઉપરાંત 2004 બાદ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછા ઉમેદવાર નોંધાયા છે. 2004ની લોકસભા ચૂંટણીમાં 162 ઉમેદવાર હતા. ગુજરાતમાં 1996ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 577 ઉમેદવાર નોંધાયા હતા.